ભારત ભૂગોળ, સંસ્કૃતિ, ઇતિહાસ અને લોકજીવન
ભારત (INDIA)
ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા માં સ્થિત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી પણ વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, purchasing power parity પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થીક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.
એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસકમાર્ગે આઝાદી મેળવી.
ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવાં હિન્દુ, જૈન, શિખ અને બૌદ્ધ ધર્મનો ઉદભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસીધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યાં. આ બધાંધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.
ભારત ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસીત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.
ભૂગોળ
ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.
ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.
ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.
મધ્ય અને દક્ષિણના મેદાનો
હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.
પૂર્વના જંગલો
ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.
પશ્ચિમનાં રણો
ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.
દક્ષિણનો સાગર
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.
ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં યવન, પહલવ, મ્લેચ્છ, બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.
ભાષા અને રાજ્યો
પૌરાણીક ભારતમાં એક ભાષા - સંસ્કૃત પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન્ ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. તમિળ સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.
ધર્મો અને માન્યતાઓ
ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે જે પોતાની રીતે ઇશ્વરની વ્યાખ્યા અને તેને પહોંચવાની વિધી બતાવે છે. ભારતીય તત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોય શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છે અને દરેકને પોતાનો સંપ્રદાય છે.
ભારતના મૂળ પ્રાચીન ધર્મને સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ.પૂર્વે ૩૦૦માં બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. આ પછી અંહીના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસ આવેલા અને ખ્રિસ્તી ધર્મ સ્થાપિત કર્યો. મધ્ય એશિયામાં ઇસ્લામના ફેલાવા દરમિયાન અંહી ઇઝરાયેલથી હિબ્રુ જાતિના લોકો અને ઇરાનથી પારસી લોકો આવી વસેલા. દુનિયામાં મૂળ પારસી ધર્મ આજે ફક્ત ભારતમાં જ છે. ઇસ્લામ ધર્મ તેના શરૂઆતના સમયમા જ ભારતમાં આવી ગયો હતો.શહાદતુલઅક્વામ તથા ફતહુલબારી કિતાબોના હવાલા મુજબ ભોપાલના રાજા ભોજે ઈસ્લામ કબૂલ કર્યો હતો. શ્રી ગુરૂ નાનકે ૧૫મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી.શીખ ધર્મના ઘણા બધા શિધ્ધાંતો ઈસ્લામ ધર્મના શિધ્ધાંતોને મળતા આવે છે.શ્રી ગુરુ નાનકે બગદાદ તથા ત્યાંના બીજા ઈસ્લામિક તીર્થ સ્થળોની યાત્રા કરી હતી. ભારતની ધરતી પર જન્મેલા વિવિધ ધર્મો પૈકી શીખ ધર્મ સૌથી તત્કાલિન છે. અંગ્રજોના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વ્યાપક બન્યો.
ભારતના લોકો વિવિધ ધર્મના હોવા છતાં તેઓ જાતિ તરીકે ભારતીય છે. પૂર્વેના હિંદુ અથવા મૂળ ભારતીય લોકોને બળ કે લાલચ બતાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. આથી તેઓની માન્યતા, રીત-રીવાજો, ભાષા અને અમુક હદે સંસ્કૃતિ ભારતીય જ રહી છે. ફક્ત ભારત જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પણ ધાર્મિક પલટો આવ્યા છતા તેમની પોતાની સંસ્કૃતિ અને તેના પરનો ભારતીય પ્રભાવ અકબંધ રહ્યા છે.